રાજીનામું: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સિણધઇ ગ્રા.પં.ના સભ્યનું રાજીનામું
પોતાના વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાનો સભ્યનો આક્ષેપ
વાંસદા તાલુકાના સિણધઇ ગામે ગ્રામ પંચાયતના સભ્ય રાજુભાઇ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે સભ્યપદેથી રાજીનામુ ધરી દીધું હતું. પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો ન થવા દેવાના કારણે અને ગ્રામ પંચાયત દ્વારા તેમની સાથે ઓરમાયું વર્તન થતું હોવાના આક્ષેપ સાથે વાંસદા ટીડીઓને રાજીનામુ ધરી દેતા સિણધઇમાં આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજુભાઈ વસનજીભાઈ પટેલ સિણધઇ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં. 2માં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પોતાના વોર્ડમાં અનેક વિકાસના કામો માટે ગ્રામ પંચાયતમાં દરખાસ્તો મુકવા છતાં ગ્રા.પં. દ્વારા તેમના વોર્ડમાં કામો ન કરાતા હોવાના કારણે સરપંચ સમક્ષ રાજીનામુ ધરી દીધુ હતું. વોર્ડ નં. 2ના સભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેઓને માત્ર પંચાયત મિટીંગ તથા અમુક કામો પૂરતા ગણના કરવામાં આવતી હોય છે અને વિકાસના કામો તેમજ બીજી બધી બાબતોએ તેઓની અવગણના કરવામાં આવે છે.
જાણવા મળ્યા પ્રમાણે સિણધઇના વોર્ડ નં. 2ના સભ્ય રાજુભાઇ વસનજીભાઈએ સરપંચને લેખિતમાં રાજીનામું આપ્યા બાદ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રાજીનામનો પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યા મુજબ તેમના વોર્ડમાં છેલ્લા ચાર વર્ષથી રસ્તા, આવાસ, પાણીની ટાંકી સહિતની સરકારી લાભો પંચાયત તરફથી આપવામાં આવ્યા નથી. જેથી તેમને અસંતોષ હોય તેઓએ સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે, જે રાજીનામનો સ્વીકાર કરવા તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું છે.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય ત્યારે સિણધઇ ગ્રા.પં.ના સભ્ય દ્વારા રાજીનામુ ધરી દેતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. પંચાયતના સભ્ય રાજુભાઇએ પંચાયત પર આક્ષેપો કર્યા છે કે પોતાના વોર્ડમાં વિકાસના કામોને લઈને ઘણીવાર લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં છેલ્લા 4 વર્ષમાં કોઈ કામો થયા નથી.
પાણી, આવાસ, રસ્તા જેવા કામોમાં સરપંચે પોતાના માનીતા સભ્યો તેમની પેનલ પક્ષના સભ્યોને ફાળવી અમારા વોર્ડમાં વિકાસના કામોની અવગના કરી સરપંચે અમારા વોર્ડમાં અન્યાય કર્યો છે. પંચાયત સભ્ય તરીકે વિપક્ષમાં પોતાનું સન્માન જળવાયું ન હોવા જેવા આક્ષેપો સાથે રાજીનામું ઘરી દેતા અવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે સિણધઇ ગામે રાજકારણ ગરમાયું છે.
રિપોર્ટર; નિરવસિંહ પરમાર (વાંસદા/ડાંગ)