ભાડું નક્કી ન થતાં નવસારીનું રંગવિહાર નાટ્યગૃહ લોકાર્પણ પછી પણ બંધ હાલતમાં
જો ભાડું નક્કી કરવામાં આવે તો અનેક શહેરીજનો તેનો લાભ લઇ શકે
નવસારી નગરપાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા આપવા માટે અનેકવિધ પ્રોજેક્ટ અમલી બનાવાયા છે, પરંતુ ચોક્કસ કામગીરીના અભાવે અનેક પ્રોજેક્ટ અમલી થયા પછી પણ બિનઉપયોગી સાબિત થઇ રહ્યાં છે. એક વર્ષ પૂર્વે એટલે કે ડિસેમ્બર 2019માં રંગવિહાર નાટ્યગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે લોકાર્પણ કર્યા બાદ તેનો ભાવ નક્કી કરવામાં ન આવતા કે ભાડે આપવામાં ન આવતા હાલ આ નાટ્યગૃહ લોકાર્પણ પછી પણ બંધ અવસ્થામાં છે. જો ભાડું નક્કી કરવામાં આવે તો અનેક શહેરીજનો તેનો લાભ લઇ શકે છે અને પાલિકાને આવક પણ થઇ શકે છે.
2019માં લોકાર્પણ બાદ વહીવટી પાંખ દ્વારા નાટ્યગૃહ રંગવિહાર માટે ભાડાની રકમ કે શહેર માટે ઉપયોગી થઇ શકે એ દિશામાં કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે રગંવિહાર હાલ બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. હાલ પાલિકામાં વહીવટદારનું શાસન છે ત્યારે કોઇપણ રાજકીય દબાણ કે દખલ વિના સરળતાથી શહેરીજનોના હિતમાં રંગવિહાર સંદર્ભે નિર્ણય લઇ શકાય છે. શહેરમાં આવેલા ખાનગી પાર્ટીપ્લોટમાં અવાર-નવાર કાર્યક્રમો થતાં હોય છે. તેવામાં જો પાલિકા તંત્ર દ્વારા તેનું ભાડું નક્કી કરવામાં આવે તો આ કાર્યક્રમો રાહતદરે રંગવિહારમાં યોજાઇ શકે છે. જેનો લાભ શહેરીજનો લઇ શકે અને પાલિકાને આવક પણ થઇ શકે છે.
હજી સુધી ભાવ નક્કી કરી શક્યા નથી
પૂર્વ વિપક્ષી સભ્ય અંજુમ શેખે જણાવ્યું છેકે, લગભગ એક વર્ષ થયું અને પોણા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને રંગવિહાર બનાવવામાં આવ્યું છે. તેમ છતાં આજદિન સુધી રંગવિહારને કોઇપણ પ્રોગ્રામ માટે આપવામાં આવ્યું નથી. કે તેના ભાવ નક્કી કરીને લોકો માટે ખુલ્લો મુકવો જોઇએ તે ભાવ પણ આજ સુધી નક્કી કરી શકી નથી. ત્યારે નવસારી નગરપાલિકા જે પ્રજાના પૈસા વેડફે છે તેનો વેડફાટ ક્યારે અટકશે તે એક મોટો પ્રશ્ન છે.
કોઇની માગણી આવે તો ભાડું નક્કી કરી શકીએ
આ અંગે ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે જણાવ્યું છેકે, રંગવિહારનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેની હજી સુધી કોઇ માગણી આવી નથી. એના માટે અલગથી કોઇ પોલિસી બનાવવાની જરૂર નથી. જો કોઇની માગણી આવે તો કામગીરી કરી શકીએ. તેમજ ભાડું નક્કી કરવાનો કોઇ પ્રશ્ન નથી. કોઇની માગણી આવે તો ભાડું નક્કી કરી શકીએ.
રિપોર્ટર; અમિત વ્યાસ (ચીખલી/નવસારી)