પરમાત્મા એ રચેલી આ સૃષ્ટિ માં પોતાનું કર્મ કરી, આનંદ પૂર્વક રહી, મુક્ત મને વિહરવાનો અને સુખે જીવન વિતાવવાનો અધિકાર દરેક સજીવોને છે.મનુષ્યને ભગવાને વાચા આપી છે જેના કારણે તે શબ્દો દ્વારા પોતાની વ્યથા અને ખુશી વ્યક્ત કરી શકે. પણ બિચારા ભોળા અબોલા જીવો કેમ કરી પોતાની વ્યથા કે ખુશી વ્યક્ત કરે ?
વાર – તહેવાર – પર્વની ઉજવણીમાં મનુષ્ય દ્વારા કરવામાં આવતી અતિશયોક્તિ,લાપરવાહી અને નજર અંદાજ કરવાની લાલચું વૃત્તિ ને કારણે અબોલાજીવો ને ક્યાંક ને ક્યાંક તકલીફો વેઠવી પડે છે.જે પર્યાવરણ,સમાજ અને સૃષ્ટિની ગતિ અને પ્રગતિ માટે ચિંતાનો વિષય છે.
આ બાબતને ધ્યાનમાં રાખી સમાજ ઉપયોગી અને પર્યાવરણ ના હિત માટે શ્રી મંગુબેન ના.પટેલ પ્રા.શાળાના આચાર્ય ખોડાભાઈ બી.પટેલ દ્વારા વિવિધ અભિયાનો ચલાવવામાં આવે છે.ઉત્તરાયણ પર્વમાં સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી ખોડાભાઈ એ ભોળા પંખીઓ નો જીવ બચાવવા માટે ‘ ઘાતક ને ધારદાર દોરીનો કરો નાશ,પંખીઓ ને ઉડવાનો આપો અવકાશ’ , ‘ઘાયલ પંખીઓ ને સારવાર’ , ‘પશુઓને ઘાસ ચારો’ , ‘પંખી ને ચણ કૂતરાને રોટી’ વગેરે લોક જાગૃતિ અભિયાન ચલાવી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

